અયોધ્યા. 5 ઓગસ્ટે થનાર રામલલ્લા મંદિરના ભૂમિ પૂજનની લગભગ તમામ તૈયારીઓ પુરી થઈ ગઈ છે. 100 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર મંદિર માટે ભકતો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મોટા પ્રમાણમાં દાન પણ મોકલી રહ્યાં છે. કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે કહ્યું કે તેમની પાસે હાલ દાનમાં આવેલા 15 કરોડ રૂપિયા છે.
લોકડાઉન દરમિયાન સૌથી વધુ દાન 2 કરોડ રૂપિયાનું આવ્યું છે. છેલ્લા પાંચ મહીનામાં લગભગ 5 કરોડ રૂપિયા આવી ગયા છે. આ સિવાય પહેલા આવેલા દાનના 10 કરોડ રૂપિયા છે. મોરારી બાપુએ જે ફન્ડમાં 5 કરોડ રૂપિયા આપવાની લોકોને અપીલ કરી હતી, તેમાં 18 કરોડ રૂપિયા આવ્યા છે.500થી વધુ કળશ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલયમાં પહોંચી ગયા છે.
આ રીતે હાલ લગભગ 33 કરોડ રૂપિયાનું દાન ટ્રસ્ટની પાસે હોવાનું કહેવાઈ રહ્યું છે. પટનાના હનુમાન મંદિરના મહાવીર ટ્રસ્ટે જ 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. જાણકારોનું કહેવું છે કે મહાવીર ટ્રસ્ટ 10 કરોડ રૂપિયાનું દાન આપશે, દર વર્ષે 2-2 કરોડ રૂપિયા મોકલવામાં આવશે.
આ સિવાય ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે મંદિરના દાન માટે અભિયાન ચલાવવામાં આવશે. આ માટે જાહેરાત આપવામાં આવશે અને સોશિયલ મીડિયા પર કેમ્પેન પણ ચલાવવામાં આવશે. ટ્રસ્ટના લોકો વિવિધ ગામોમાં ઘરે-ઘરે જશે અને સેવા માટે અનુરોધ કરશે. આ સિવાય દેશના મોટા-મોટા બિઝનેસમેન અને નેતાઓને પણ દાનની અપીલ કરવામાં આવશે.શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને દાન આપવા માટે એકાઉન્ટ નંબર બહાર પાડવામાં આવ્યો છે. તેમ છતાં લોકો રોજ દાન અંગેની માહિતી મેળવવા માટે ફોન કરી રહ્યાં છે.
ટ્રસ્ટની ઓફિસમાં રોજ દાન અંગેની પુછપરછ કરતા 500 ફોન આવે છે
શ્રીરામ જન્મભૂમ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલયના ઈનચાર્જ રામ પ્રકાશ ગુપ્તા જણાવે છે કે અમે દાન માટે અમારી એકાઉન્ટ ડિટેલ દરેક જગ્યાએ આપી છે. સોશિયલ મીડિયા પર પણ મૂકી છે. તેમ છતાં રોજ 500 ફોન એ બાબત પુછવા માટે આવે છે કે દાન ક્યાં અને કઈ રીતે આપી શકાય છે. કેટલાક 500 તો કેટલાક 5000 રૂપિયા રામલલ્લાને આપવા માંગે છે.
લોકો કહે છે કે હાલ ઓનલાઈન ફ્રોડ ખૂબ જ થઈ રહ્યાં છે, આ કારણે તેઓ એકાઉન્ટ ડિટેલની વિગતો ચકાસવા માંગે છે. તેઓ કહે છે કે લોકો કુરિયર અને પોસ્ટથી પણ ચેક મોકલી રહ્યાં છે. કોરોનાના કારણે પણ બહારથી અયોધ્યામાં રામલલાના દર્શન માટે હાલ ઓછા લોકો આવી રહ્યાં છે. જ્યારે ફરીથી વધુ લોકો આવવાની શરૂઆત થશે એટલે દાન રકમ હજી વધશે.શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે લોકોને અપીલ કરી છે કે ચાંદીની ઈંટ જગ્યાએ એકાઉન્ટમાં પૈસા જ જમા કરાવવામાં આવે.
ક્વિન્ટલથી વધુ ચાંદી અને 500થી વધુ કળશ આવ્યા છે
સમગ્ર દેશના લોકો રામલલાને ચાંદીની ઈંટ ભેટ કરવાની જાહેરાત કરી રહ્યાં છે પરંતુ ટ્રસ્ટ તે શિલાઓની જ ગણતરી કરી રહ્યું છે, જે કાર્યાલયના રેકોર્ડમાં આવી રહી છે. એક અનુમાન મુજબ અત્યાર સુધીમાં ક્વિન્ટલથી વધુ ચાંદીની શિલાઓ આવી છે. જોકે ટ્રસ્ટે અપીલ કરી છે કે ચાંદીની ઈંટની જગ્યાએ રૂપિયા જ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે.
લગભગ 500થી વધુ કળશ કાર્યાલય પહોંચી ગયા છે, જેના કારણે એક આખો રૂમ ભરાઈ ગયો છે. તેમાં એક હથેેળીની સાઈઝથી માંડીની મોટા-મોટા કળશનો સમાવેશ થાય છે. લોકો થોડી-થોડી માટી પણ કુરિયર દ્વાર મોકલી રહ્યાં છે. કાર્યાલયમાં કુરિયરનો ઢંગલો થયો છે. Source news divybhaskar